મહાત્મા ગાંધી ગ્રામ્ય રોજગાર બાહેંધરી યોજના (MGNREGA)

યોજનાનો હેતુ

 • યોજનાનો હેતુ ગ્રામીણ વિસ્તારોમાં રહેતા તમામ પરિવાર માટે નાણાંકીય વર્ષમાં બાહેંધરી આપેલ ઓછામાં ઓછા 100 દિવસના સવેતન રોજગારનો હક્ક પરિવાર દીઠ પ્રમાણે છે. પરિવારના રજીસ્ટર થયેલા પુખ્ત સભ્યો એકંદરે 100 દિવસના રોજગાર માટે અરજી કરી શકશે.

યોગ્યતા

 • જાહેર કરેલ જિલ્લાઓના ગ્રામીણ વિસ્તારોમાં જે પુખ્ત સભ્યો બિન કુશળ મજુરી કામ કરવા ઈચ્છતા હોય અને જેમને વેતનિક રોજગારીની જરૂરીયાત હોય તેવા તમામ BPL/APL કુટુંબો આ યોજનાનો લાભ લઈ શકશે

 • આ યોજના કુટુંબ દીઠ 100 દિવસ રોજગાર આપવા માટે છે.

રજીસ્ટ્રેશન માટેની લાયકાત

 • કામની માંગણી કરનાર અરજદાર સ્થાનિક રહેવાસી હોવો જોઈએ સ્થાનિક એટલે ગ્રામ પંચાયત વિસ્તારના અંદર રહેતી હોય તે વ્યક્તિ રજીસ્ટ્રેશન માટે અરજી કરી શકશે.

 • રોજગારીની જરૂરીયાતવાળા અરજદારે ગ્રામ પંચાયતમાં નામ નોંધાવવાનું રહેશે આ નામ નોંધણી કરાવ્યા બાદ ગ્રામ સભામાં રજીસ્ટર થયેલ પરિવારોની જરૂરી ખરાઈ કર્યા પછીથી એક અઠવાડીયામાં ગ્રામ પંચાયત દ્વારા તલાટી કમ મંત્રીની સહીથી અરજદારના ફોટાવાળા જોબકાર્ડ ઈસ્યુ કરવામાં આવશે. જોબકાર્ડ મેળવ્યા બાદ રોજગારીની જરૂરીયાત હોય ત્યારે રોજગારી આપવા માટે ગ્રામ પંચાયતને અરજી કરવાની રહેશે.

 • જોબકાર્ડમાં પરિવારનો રજીસ્ટ્રેશન કોડનંબર, અરજદારનું નામ અને જાતિ તથા કામ કરવા માંગતા કુટુંબના સભ્યોના નામ તથા તેમની ઉમર, લિંગ અને કુટુંબના વડા સાથેનો સંબંધ જેવી કાયમી માહિતી આપવાની રહેશે.

 • જોબકાર્ડ ખોવાઈ જાયતો પંચાયત પાસે ડુપ્લીકેટ કાર્ડ માટે અરજી કરી શકાશે.

 • જોબકાર્ડ ન મળવા અર્થે કોઈ વ્યક્તિને ફરીયાદ હોયતો તે બાબતે પ્રોગ્રામ ઓફિસર સહ તાલુકા વિકાસ અધિકારીશ્રીને જણાવવાનું રહેશે.

 • કામની માંગણી માટેની અરજી કરવામાં આવે ત્યારે સળંગ 15 દિવસના કામની માંગણી કરવાની રહેશે

 • કામની માંગણી કર્યેથી ગામ પંચાયત દ્વારા 15 દિવસ સુધીમાં કામ આપવાની ખાત્રી કરવામાં આવે છે. ગામે કે ગામથી પાંચ કિ.મી.ની ત્રિજીયામાં રોજગારી આપવામાં આવશે. જો ગ્રામ પંચાયત દ્વારા અરજી કર્યાની તારીખથી દિન-15 માં કામગીરી ન આપી શકે તો ગ્રામ પંચાયતે રોજગાર વાંચ્છુઓને બેરોજગારી ભથ્થુ આપવાનું રહેશે.

બેરોજગારી ભથ્થુ કયા સંજોગોમાં નથી ચુકવવાનું

 • રોજગારી માંગનાર પોતે પંદર દિવસમાં દર્શાવેલ કામ ઉપર હાજર ન થાય તો

 • 100 દિવસની રોજગારી મળી ચુકી હોય તો

 • મંજુરી લીધા સિવાય સતત એક અઠવાડીયાથી વધુ સમય ગેરહાજર રહે અથવા મહિનામાં કુલ 7 દિવસથી વધુ સમય ગેરહાજર રહે તો.

વેતનનું ચુકવણું

 • કામ ઉપરના દરેક શ્રમિકને લઘુતમ વેતન અધિનિયમ 1948 હેઠળ " કૃષિ શ્રમિક " માટે નિયત કરેલ વેતન દર મુજબ વેતન ચુકવણા કરવામાં આવશે

 • શ્રમિકોને વેતન ચુકવણું અઠવાડીક ધોરણે સ્થાનિક લોકોની હાજરીમાં જે તે શ્રમિકની સહી/અંગુઠો લઈ રોકડમાં અથવા બેંક દ્વારા ચુકવણું કરવામાં આવશે.

 • સંબંધિત જિલ્લાના એસ.ઓ.આર. મુજબ કામના પ્રમાણમાં ચુકવણું કરવામાં આવશે

ગ્રામ પંચાયતને નીચેના દસ્તાવેજોની ચકાસણી કરવાની રહેશે

 • અરજદાર રેશનકાર્ડ ધરાવતો હોવો જોઈએ

 • ભારત સરકારે કાઢી આપેલ ચુંટણી અંગેનું ઓળખપત્ર તથા ગ્રામ પંચાયતના સંબંધિત વિસ્તારમાંથી મત આપવાની ખાત્રી પાત્રતા દર્શાવતો પુરાવો

 • બેંક ખાતાની પાસબુકની ફોટો કોપી.

 • ખેતીની જમીન ધરાવતો હોવાની સાબિતી

 • ગ્રામ પંચાયતે આકારેલી બીન ખેતીની જમીન ધરાવતા અંગેની સાબિતી

 • એક પરિવારમાંથી એકથી વધુ વ્યક્તિને રજીસ્ટર કરવામાં આવશે નહી અને કોઈ પણ પરિવારને એકથી વધુ વખત રજીસ્ટર કરવામાં આવશે નહી.

 • ખોટા રજીસ્ટ્રેશન કિસ્સામં કાર્યક્રમ અધિકારી બે સ્વતંત્ર સાક્ષીઓની હાજરીમાં અરજદારની સુનવણીની તક આપ્યા પછી રજીસ્ટ્રેશન રદ કરશે. એવા રદ કરેલાઓની યાદી ગ્રામસભા સમક્ષ મુકવાની રહેશે.

 • રોજગારી માટેનું રજીસ્ટ્રેશન સમગ્ર વર્ષ દરમ્યાન ગ્રામ પંચાયત કચેરીએ કામકાજની કલાકો દરમ્યાન કરાવી શકાશે.